મારે ક્યા જઈ શોધવો મારો વિસામો..???

ચમકતી ચાંદનીને રાત આખીનો સથવારો…

આંખમાંથી ટપકતું એક અશ્રુને,
ખારા દરિયાનો, મીઠો કિનારો…

દરેક ચહેરામાં શોધતો તારી યાદોનો ખજાનો,
ને અંતે મળતો મારો જ પડછાયો…

સબંધોની આંટી-ઘૂંટીમાં આવે અનેક તોફાનો,
ને છતાય ઉભો હું બની તારો દીવાનો…

ક્યારેક તો પાસે આવીને જો,
હજુય મળતો એજ શેરીઓમાં સાવ એમજ ભટકતો…

ચાંદ પાસે તો ચાંદનીનો સહારો,
મારે ક્યા જઈ શોધવો મારો વિસામો..???

જબ તક હૈ જાન..!!!

લવ ટ્રાયએન્ગલ, બે છોકરીઓ પાછળ દોડતો આશિક જે નાનપણથી અનાથ ઉછરેલો અથવા તો દતક લીધેલો, પરિવારના બંધનો, ગમતી છોકરીનું બીજા સાથે લગ્ન થવુ અને ફરી અમુક વર્ષો પછી મળવું…. એક ટીપીકલ યશ ચોપરા સ્ટાઈલ, ઘણા વર્ષોની જેમ દિવાળી પર શાહરુખની ફરીથી એક નવી લવ સ્ટોરી…

“જબ તક હૈ જાન…”

 

20121115-022420.jpg

જે લોકોને આ ફિલ્મ પ્રત્યે પહેલીથી જ ના જોવાની ઈચ્છા હોય કે SRK ના મુવીઝ ના ગમતા હોય અથવા તો પડદા પરની લવ સ્ટોરીમાં વિશ્વાસ ના હોય તો અહીંથી આગળ વાંચીને અપનો સમય ના બગાડશો..:)

અકીરાના હાથમાં આવેલી એક ઈન્ડીયન સોલ્જરની ડાયરી અને જિંદગીની દરેક ક્ષણની જેમ ઉથલતા પાનાંમાંથી શરુ થતી કહાની. હમણા જ આવેલી OMG અને તેનાથી તદ્દન ઉલટું એવું મીરાનો જીસસ પ્રત્યેનો અપાર વિશ્વાસ અને એજ વિશ્વાસના જોર પર સમરને થઇ જતો પહેલી નજરવાળો પ્યાર. આમ તો કેટરીના ને જોયને કોઈ પણ ઘાયલ થઇ જાય પણ એક મ્યુઝીસીઅનના ગિટારમાંથી નીકળતું એ.આર.રહેમાન નું દિલધડક સંગીત અને ગુલઝારના હાટઁટચ શબ્દો.

ચર્ચથી શરુ થતી લવ સ્ટોરી અને ત્યાર બાદ સમર અને મીરાના ડાન્સ સીનના કોર્યોગ્રાફીમાં થોડી વાર માટે દેખાતા દિલ તો પાગલ હૈ ના શાહરુખ અને કરિશ્મા. ઈન્ટરવલ પેલાનું મુવી થોડું વધારે મજ્જા અપાવે એવું તેમજ લંડનનો વેસ્ટમીનસ્ટર, હંગરફોર્ડ અને ગોલ્ડનજયુબેલી બ્રીજ થી લઈને સોમરસેટ હાઉસ અને લંડનની ગંગા થેમ્સ, ગુલમર્ગ, પહલગામ અને લડાખના સુંદર લોકેસન્સનો સુંદર નજારો.

ચર્ચમાં મીરાં દ્વારા લેવડાવાતી દોસ્તીવાલી કસમમાં સમરની આંખોમાં દેખાતો લવ તેમજ વિન્ટરમાં સમરની આંખોમાં આવતું મોન્સુન અને પ્યાર માટે કોઈ શરતો કે કાગળ પરના કરારોની ક્યારેય જરૂર નથી હોતી અને એટલે જ દરેક ઈશ્ક માટેનો એક સમય હોય અને એ કદાચ એ સમય મીંરા-સમરનો ના હોવાથી ૧૦ વર્ષ સુધી કોઈ શરત કે સ્વાર્થ વગર એકબીજા માટે, એક બીજા થી દુર રહીને જળવાતો પ્યાર.

ટેલીફોન બુથ, શહેરની દોડતી શેરીઓમાં, રેલ્વે પ્લેટફોર્મ પર , ટ્રેનમાં અને ગાર્ડનમાં થતો રોમાન્સ જેમાં પોતાનાથી વધારે સામેના પાત્રને અપાતો પ્રેમ કે જે આજની ફાસ્ટ જનરેશન જેમાં પહેલા સેક્સ અને પછી થવો હોય તો થતા પ્રેમ કરતા તદન ઉલટું…

એકની ભૂલથી બીજાને મળતી સજા અને ફરીથી ભૂલ ના થાય માટે ભગવાનને કરાતી પ્રોમીસીઝ અને એમાં પણ ફક્ત માંગી લેવા કરતા, કઈક સામે આપીને લેવું. એકના જીવ માટે આપવાનું પણ એવું કે જેની કિંમત પોતાની જિંદગી કરતા પણ વધારે હોય. સાથ મુકવાથી જિંદગી બચી શકતી હોય તો ક્યારેક જીવવા માટે પણ સાથે હોવું જરૂરી છે. ઘણી વખત વ્યક્તિની એક સાઈડ થી થઇ જતો પ્રેમ અને પાછળની બાજુ સામે આવતા પોતાના પ્રેમ પ્રત્યે વધતું માન.

મોત સામે લડીને જીસસને હરાવવા અને છતાં પણ પોતે જ હારી જવું કારણ કે પોતાના જીવતા હોવાને લીધે. વ્યક્તિની કઈ પણ કરી શકવાની તીવ્ર આકાંક્ષા અને હર-હમેંશ પોતાને ગમતા સાથીનો સાથ દુનિયાની કોઈ પણ જંગ જીતવા મજબુર કરી મુકે તો બોમ્બ કે ડીસ્કવરી માટેની ડોકયુમેન્ટરી ફિલ્મ સાવ નજીવી વસ્તુ કહી શકાય.

આટલે સુધી વાંચ્યું હોય તો એક લવ સ્ટોરી લવર્સને ગમે તેવી અને બાળકો માટે બોરિંગ, દિવાળીની રજામાં સમય પસાર કરી શકાય તેવી, યશ સાહેબની છેલી ડાયરેક્ટ કરેલી અને પોતે જ ના જોય શક્યા, પણ આપણે તો એક વખત જોઈ શકીએ તેવી શાહરુખના ફેન માટેની, કેટની બ્યુટીના દિવાનાની અને અનુષ્કાની ચુલબુલી સ્ટાયલની થોડી જરૂર કરતા લાંબી ચાલતી ફિલ્મ….

20121115-023125.jpg

કેવો છું…???

ઉભો છું દરિયે છતાં તરસ્યો છું,
કારણ કે હું પાણીનો નહિ, ભરતીનો પ્યાસો છું…

મધરાતે લાખો તારાઓની નીચે ઉભો છું અંધકારમાં,
કારણ કે હું રોશનીનો નહિ, ચાંદનીનો દીવાનો છું…

ખુલા મેદાનમાં અનેક રમતવીર વચ્ચે ઉભો છું હારેલો,
કારણ કે હું જીતનો નહિ, ખેલદિલીનો ખેલાડી છું….

મંદિરની આરતીમાં બેઠો છું બહાર,
કારણ કે હું મૂર્તિનો નહિ, સત્યનો સ્વિકારી છું…

બેડરૂમની ચાર દીવાલો વચ્ચે, સુતો છું, મારી પ્રેયસી સાથે સાવ નિષ્ક્રિય,
કારણ કે હું વાસનાનો નહિ, પ્રેમનો પુજારી છું…

ઘણા લોકોએ મારી બીજી બાજુ જોવાનો પ્રયાસ કર્યો છે, છતાં નથી મળ્યો,
કારણ કે હું જેવો છું એવો તમારી સામે જ છું…!!!

ચાલને એક એવી સાંજને…!!

ચાલને ફરીથી એક એવી સાંજે મનગમતાને મળવા માટે-મનગમતું બહાનું કરીએ…

જ્યાં હું અને તું મટીને આપણે બનીએ…

 

 એક  એવી સાંજ  જ્યાં બસ સતત -અવિરત નિરંતર એકબીજામાં એકાકાર થઈએ..

જ્યાં ક્રોધ અને ગુસ્સાનું કોઈ જ સ્થાન ના હોય…બસ છલકાતો રહે પ્રેમ…

 

એક એવી સાંજ જ્યાં સૂર્ય આથમાંતાની  સાથે આપણા પ્રેમના એક નવા કિરણની શરૂઆત થાય…

જ્યાં તારા સાથમાં દુનિયા જીતવાની એક અધુરી આશા ઉદભવે…

અને એ  સાંજનું કોઈ સરનામું ના હોય…

છતાં પાછળ વળીને જુઓતો બાજુમાં જ હોઈએ…

 

એક એવી સાંજ જે આખી રાત થી લઈને છેક સવાર સુધી સાથે હોઈએ…

અને એ ઉજાગરા નહિ, પરંતુ ફરી  એક નવી સાંજ મળે,માટે પસાર કરેલો સમય હોય…

 

એક એવી સાંજ કે જ્યાં દુનિયાને ભૂલીને  તારા ખોળામાં પોક મુકીને રડી શકાય…

અને છતાય એમાં મારી દુનિયા તો તું જ હોય…

 

ચલ ને  એક એવી સાંજે ફરીથી મળીયે અને નવા સંબધોના હસ્તાક્ષર રચીએ..

જેમાં થોડો સમય અલ્પવિરામ મુકેલા જીવન ને ફરીથી પૂર્ણતા તરફ લઈ જઈએ…

 

ચાલને ફરીથી એક એવી સાંજે મનગમતાને મળવા માટે-મનગમતું બહાનું કરીએ… ચલ ને..!!

તને યાદ છે…!!!

તને યાદ છે એ… પીપળાનું જુનું-જર્જરીત છતાં અમદાવાદના રાજમાર્ગ સમા રોડ પર ઉભેલું અડીખમ વૃક્ષ… તેની નીચે ઉભા રહીને કરેલી અનેક વાતો અને નાની-નાની વાતોમાં કરેલા મોટા-મોટા ઝગડાઓ મને યાદ છે…

તને યાદ છે કોલેજની સાથે ચડેલી સીડીઓ અને લાયબ્રેરીમાં વાંચવાના બહાને કરેલી મસ્તીઓ….મને યાદ છે નવરંગપુરાની ગલીઓમાં હાથમાં-હાથ પરોવીને માણેલો વરસાદનો આનંદ..

મને યાદ છે હોસ્ટેલથી ચાલીને ક્યાય સુધી મળવા આવવાનો રોમાંચ અને થોડી જ વારમાં, ફરી મળવાનું શક્ય બને એટલે ના ગમતી હોવા છતાં જુદાઈ…

તને યાદ છે એ પાણીપુરીની લારી થી મકાઈ સુધીના ખટમીઠા સંભારણા… ભૂલ મારી, છતાં તું મનાવે તો મજ્જા જ કંઈક અલગ હોય એ મને યાદ છે..

તને યાદ છે સાબરમતીના બ્રિજ થી SG હાઇવેની લોંગ ડ્રાઈવ… મને યાદ છે બાઈક શીખતા તારા જમણાપગ પર થયેલું નિશાન…

મને યાદ છે રાતના અગિયાર વાગવાની રાહ જોઈતી તું અને સવારના સાત વાગ્યા સુધી કરેલી લાંબી વાતો તને યાદ છે…

તને યાદ છે વસ્ત્રાપુરની કલરફૂલ પાળીઓથી કાલુપુર સ્ટેશને વિતાવેલી કાળી-ડિબાંગ અદભુત રાતો…

મને યાદ છે મારા ગુસ્સા સામે તે આપેલો પ્રેમનો અઢળક જવાબ…

હર-હમેંશ તારી કોઈને કોઈ આપેલી અવનવી વસ્તુઓ સવારના ઉઠતાની સાથે છેક રાતના આંખ બંધ થતા સુધી કોઈને કોઈ રીતે કેટલીય વાતો યાદ અપાવે છે…

ઘણું બધું લખ્યું-ઘણું લખવું છે અને છતાં પણ કંઈક અધૂરું-તૂટેલું લાગે છે કારણ કદાચ તારો ના હોવાનો ખાલીપો કે પછી તારાથી આવેલી જીવનમાં પૂર્ણતા…

ઘણી વખતની જેમ આજે પણ ભાન ભૂલ્યો છું તને યાદ કરવાની ઈચ્છા તો ઘણી છે પણ ભાન ભૂલ્યા પછી યાદ પણ કેમ આવે….

બસ આતો મજાક-મજાકમાં લખાય ગયેલી અને અનુભવાય ગયેલી જિંદગીની અમુક નાજુક પળો જેના માટે શબ્દો હોય એટલા ઓછા અને દિવસો હોય એટલા ટૂંકા લાગે…!!!

ચાલશે.! વૃતી કેટલી યોગ્ય.?”

મને સૌથી પહેલા મારા જીવનમાં સ્ટેજ પર લઇ જનાર તો ના કહી શકાય પરંતુ આને જ સ્ટેજ કહેવાય, સ્ટેજ પર કેવી રીતે પહોંચાય, તેની પર કેવી રીતે ઉભું રહેવાય, ઉભાં રહ્યા પછી કેવી રીતે પ્રેક્ષકોને અનુવાદ કરાય આવી બધી માહિતી તેમજ મને મારી હાઈસ્કૂલની સૌથી પહેલી વકતૃત્વ સ્પર્ધાથી લઈને અનેક વિષયો પર વાંચવા-લખવા માટે પ્રેરણા પુરી પાડનાર વૈભવ વૈષ્ણવ દ્વારા લખી આપેલ આજથી પુરા ૧૦ વર્ષ પહેલાનો 2002 માં લખેલ આ લેખ માત્ર થોડા-ઘણા એડીટીંગ (વૈભવની મંજૂરી હશે જ 🙂 ) સાથે મારા આ બ્લોગની શુભ શરૂઆત…. 
 
ચાલશે.! વૃતી કેટલી યોગ્ય.?”

આજે માનવ જીવનમાં ચાલશે વૃત્તિની યોગ્યતા કેટલી છે? તે વિચારવાજનક બાબત છે. આજે માણસ વાત-વાતમાં કહે છે કે શું ચિંતા છે? ચાલશે… બધું જ ચાલશે..

આજે નાનામાં નાના બાળકોથી માંડીને મોટી-મોટી વ્યક્તિઓ પોતાના જીવનમાં લાપરવાહી કરે છે. જીવનમાં ઘણા ખરા કાર્યોમાં લાપરવાહીના કારણે નિષ્ફળતાના પંથે પહોંચી જાય છે. બેદરકારીની આ વૃતી આજે માણસના લોહીમાં જ જાણે વણાઈ ગઈ છે. કોઈ પણ કાર્ય કરવામાં આવે ત્યારે કહે છે શું કામ ચિંતા કરો છો.?…ચાલશે…

વિદ્યાર્થીના જીવનની બેદરકારીની વાત કરીએ તો આખા વર્ષ દરમ્યાન ભણવામાં ધ્યાન ન આપે અને મિત્રો સાથે હર્યા-ફર્યા કરે અને કહે કે પરીક્ષા આવશે ત્યારે તૈયારી કરી લઈશું… ચાલશે… યાર મુંજાવાની કઈ જરૂર નથી. જયારે પરીક્ષા આવે ત્યારે તો પુસ્તક ખોલતા યમરાજ સામે આવે અને પછી??? પછી વિચારે કે હવે તો તૈયારી થઇ શકે તેમ નથી. તો શું???… ચાલશે… હવે બાજુવાળામાંથી કોપી કરી લઈશું… ચાલશે… પરંતુ જયારે પરીણામ આવે ત્યારે બધા વિષયના કુલ ગુણ ૩૫ થાય. પછી??? પછી શું આવતી પરીક્ષામાં વધુ માર્કસ મેળવી લઈશું એટલે ચાલશે અને જો કોઈ વાર વાંચવા બેસે અને મિત્ર કહે ચાલ યાર આજ તો ક્રિકેટ રમવા જઈએ… તો વાંચવાનું શું???… ચાલશે … હવે કાલે વાંચી લઈશું. ઘણી વખત આવી બેદરકારીને કારણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. Economics ના 3 chapter તૈયાર નહિ કરીશું તો ચાલશે. પરંતુ પછી પરીક્ષાખંડમાં ધોળે દિવસે તારા દેખાય છે.

બેદરકારીની આ વૃતી વિદ્યાર્થીઓના વાલીઓના મગજમાં પણ ઘુસી ગઈ છે. સાહેબને શાકની એક થેલી આપી આવીશું એટલે આપણો મનીયો પાસ થઇ જાશે. પરિણામે બાળકોનો વિકાસ રૂંધાય છે અને ભાવી ધૂંધળું બને છે

બાળકો કે વિદ્યાર્થીઓની તો વાત જ શું..! ઘણા મોટા-મોટા માણસો કે વડીલો પણ પોતાના જીવનમાં લાપરવાહી કે બેદરકારી કરે છે. આજે ખેતર નહિ ખેડીયે તો ચાલશે. આજે તો આરામ કરી લઈએ. પરંતુ વરસાદ આવી જાય ત્યારે ખેતરમાં બધું જ કામ બાકી હોય અને પછી કહે કે આ વખતે મેઘો વેલો આવી ગયો. હવે ખેતર નહિ ખેડીયે તો ચાલશે.. પછી જયારે પાક ઉત્પન થાય ત્યારે ખર્ચ કરતા ઉપજ અડધી આવે ત્યારે કહે ચાલશે. હવે ચિંતા કરવાની જરૂર નથી આવતા વર્ષે વધુ તૈયારી કરી લઈશું….

આજના સામાજિક કાર્યોમાં પણ લાપરવાહીને કારણે આખા સમાજને નુકશાન થાય છે. નેતાઓ ચૂંટણી આવે છે ત્યારે કહે છે કે ગામમાં જઈ થોડા-ઘણા રૂપિયા આપી આવીશું એટલે… ચાલશે… જીતી જઈશું.. પરિણામે પ્રજા પણ તેની વાતમાં આવીને ઘણી વખત સમાજનું અહિત કરે છે. પ્રજાનું કશું ભલું થતું નથી અને કહે છે કે હવે તો ચૂંટણી થઇ ગઈ એટલે ચાલશે.. વર્તમાન સમયની વાત કરીએ તો ભારતમાં થતા આતંકવાદ સામે સરકાર બેદરકારી રાખીને કહે છે કે હવે ચાલશે મંત્રણા કરી લઈશું, સંધી કરી લઈશું એટલે ચાલશે.. પરંતુ જયારે દેશને મોટો આઘાત સહન કરવો પડે છે ત્યારે સમગ્ર પ્રજાતંત્ર ખોરવાય છે… ભારતીય લશ્કર આતંકવાદીઓને ચાર આંખે રાત-દિવસ ઘૂસણખોરી કરતા રોકે છે અને કસાબ જેવા પકડાય તો આપણા  નેતાઓ ચૂંટણીનો મુદ્દો બનાવીને કહે છે કે પછી ફાંસી આપી દઈશું તો ચાલશે.. ઘણી આફતો અને હોનારતોમાં સરકાર પણ કશું નથી કરતી અને પ્રજા પણ ચાલશે-ચાલશે કરીને ચલાવ્યે રાખે છે…

બેદરકારીની આ વૃતી આજે માનવીના મનમાં જ જાણે વસી ગઈ છે. તેનું પ્રત્યક્ષ દર્શન માનવી આજે કરી શકતો નથી પરંતુ વાસ્તવિકતાની પાછળ બેદરકારીની આ વૃતિને કારણે માણસે કેટલું ગુમાવવું પડે છે અને કેટલા કષ્ટો સહન કરવા પડે છે તે સમય આવ્યે જ જાણ થાય છે.

હિંદીમાં એક સરસ વાક્ય છે…”કલ કરે સો આજ, આજ કરે સો અભી…” પરંતુ આજના માણસે તો આ સુત્રને કઈક નવો જ આકાર આપ્યો છે….” આજ કરે સો કલ, કલ કરે સો પરસો..” ચાલશે… એવો તે કયો મોટો પહાડ તૂટી પડવાનો છે.

મહાપુરુષોના જીવનમાં પણ સમય સુચક્તાની બાબત ખુબજ સ્પષ્ટપણે વણાયેલી જોવા મળે છે. ફાધર વાલેસે પોતાના એક લખાણમાં ખુબજ ચિંતાતુર લાગણી દર્શાવીને કહ્યું છે કે ગુજરાતી શબ્દકોષમાં “ચાલશે” શબ્દ ક્યાંથી આવી ગયો?

અંગ્રેજીમાં પણ એક ખુબજ સરસ કહેવત છે…”Time & Tide never  wait for anybody”…. ગાંધીજી, સરદાર વગેરે જેવા મહા-પુરુષોના જીવનમાં દ્રષ્ટિગોચર કરીએ તો એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓએ પોતાન જીવનમાં ખુબજ સમયસૂચકતા દાખવી છે. તેઓએ પાણી પેહલા પાળ બાંધીને પોતાના જીવનને ઉન્નત બનાવ્યું છે..

હું તો કહું છું કે નહિ ચાલે આ ચાલશે વૃતી સફળતા મેળવવામાં. સફળતા કરવા માટે તો સમયસૂચકતા અને કાર્યક્ષમતા જરૂરી છે. આગ લાગે તો ચાલો કુવો ખોદવા જઈએ, પાણી નીકળશે તો આગને બુઝાવી દઈશું. ત્યાં સુધીતો આખું ઘર આગમાં બળીને ભસ્મીભૂત થઇ જાય. લાપરવાહીની આ વૃતિનો જડમૂળમાંથી નાશ કરી જીવનમાં સમયસુચકતા દાખવવી જરૂરી છે. માટે માણસે ચાલશે વૃતી છોડી જીવનમાં સમયસૂચકતાનું નવસર્જન કરવું જ જોઈએ અને આળસ ખંખેરી કાર્યરત બની માણસે પોતાના પરિવારને, સમાજને, પોતાના રાષ્ટ્રને ઉન્નતિના પંથે દોરી જવો જોઈએ….

“નથી લેવો આ વિસામો , કર કઈ કૃતિ ,

કેમ કે નહિ ચાલે હવે આ ચાલશે વૃતી…!!”

આજે પણ આ બધું વાંચતી વખતે એ સમયે  પહેલી વખત હજારેક લોકોની સામે બોલતા  પેહલા લાગેલો ડર, બોલતી વખતે ધ્રુજતા પગ અને પૂરું કરીને થયેલો ગર્વ અને આનંદ હજુ પણ એટલો જ અકબંધ છે. ક્યારેક બંધ આંખે એટલો જ રોમાંચ અપાવે છે. નંબર અને ઇનામ તો હમેશા માટે ગૌણ વસ્તુ જ રહ્યા છે. ભલેને વકતૃત્વ, શીધ્ર વકતૃત્વ કે પછી કોલેજ માં કરેલ નાટકો હોય. પરંતુ ઘણા બધામાંથી આપણને જે મોકો મળ્યો, મિત્રોનો સાથ અને ઘણા બધાનો વિશ્વાસ એક અલૌકિક સંતોષ અને કંઈક નવું કરવા માટેની પુરતી ઉર્જા પૂરી પાડે છે. વૈભવભાઈ દ્વારા લખી આપેલ આ લેખ એક સીડીનું પગથીયું બનીને હમેશા પ્રોત્સાહિત કરતો રહ્યો છે. ત્યાર બાદ આ સીડી ચડવામાં  ઘણા બધા મિત્રો અને શિક્ષકોએ પણ પુરતી મદદ  અને હમેશા સાથ આપ્યો છે અને હજુ પણ આપતા જ રહે છે.હજુ પણ ફાઈલમાં પીળા પડી ગયેલા પાનામાં ઓરીજનલ લેખક 🙂 ના હાથે લખાયેલ એમને એમ સચવાયેલ લેખના પડી રહ્યાનો ખુબજ આનંદ છે….:)