ચાલશે.! વૃતી કેટલી યોગ્ય.?”

મને સૌથી પહેલા મારા જીવનમાં સ્ટેજ પર લઇ જનાર તો ના કહી શકાય પરંતુ આને જ સ્ટેજ કહેવાય, સ્ટેજ પર કેવી રીતે પહોંચાય, તેની પર કેવી રીતે ઉભું રહેવાય, ઉભાં રહ્યા પછી કેવી રીતે પ્રેક્ષકોને અનુવાદ કરાય આવી બધી માહિતી તેમજ મને મારી હાઈસ્કૂલની સૌથી પહેલી વકતૃત્વ સ્પર્ધાથી લઈને અનેક વિષયો પર વાંચવા-લખવા માટે પ્રેરણા પુરી પાડનાર વૈભવ વૈષ્ણવ દ્વારા લખી આપેલ આજથી પુરા ૧૦ વર્ષ પહેલાનો 2002 માં લખેલ આ લેખ માત્ર થોડા-ઘણા એડીટીંગ (વૈભવની મંજૂરી હશે જ 🙂 ) સાથે મારા આ બ્લોગની શુભ શરૂઆત…. 
 
ચાલશે.! વૃતી કેટલી યોગ્ય.?”

આજે માનવ જીવનમાં ચાલશે વૃત્તિની યોગ્યતા કેટલી છે? તે વિચારવાજનક બાબત છે. આજે માણસ વાત-વાતમાં કહે છે કે શું ચિંતા છે? ચાલશે… બધું જ ચાલશે..

આજે નાનામાં નાના બાળકોથી માંડીને મોટી-મોટી વ્યક્તિઓ પોતાના જીવનમાં લાપરવાહી કરે છે. જીવનમાં ઘણા ખરા કાર્યોમાં લાપરવાહીના કારણે નિષ્ફળતાના પંથે પહોંચી જાય છે. બેદરકારીની આ વૃતી આજે માણસના લોહીમાં જ જાણે વણાઈ ગઈ છે. કોઈ પણ કાર્ય કરવામાં આવે ત્યારે કહે છે શું કામ ચિંતા કરો છો.?…ચાલશે…

વિદ્યાર્થીના જીવનની બેદરકારીની વાત કરીએ તો આખા વર્ષ દરમ્યાન ભણવામાં ધ્યાન ન આપે અને મિત્રો સાથે હર્યા-ફર્યા કરે અને કહે કે પરીક્ષા આવશે ત્યારે તૈયારી કરી લઈશું… ચાલશે… યાર મુંજાવાની કઈ જરૂર નથી. જયારે પરીક્ષા આવે ત્યારે તો પુસ્તક ખોલતા યમરાજ સામે આવે અને પછી??? પછી વિચારે કે હવે તો તૈયારી થઇ શકે તેમ નથી. તો શું???… ચાલશે… હવે બાજુવાળામાંથી કોપી કરી લઈશું… ચાલશે… પરંતુ જયારે પરીણામ આવે ત્યારે બધા વિષયના કુલ ગુણ ૩૫ થાય. પછી??? પછી શું આવતી પરીક્ષામાં વધુ માર્કસ મેળવી લઈશું એટલે ચાલશે અને જો કોઈ વાર વાંચવા બેસે અને મિત્ર કહે ચાલ યાર આજ તો ક્રિકેટ રમવા જઈએ… તો વાંચવાનું શું???… ચાલશે … હવે કાલે વાંચી લઈશું. ઘણી વખત આવી બેદરકારીને કારણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. Economics ના 3 chapter તૈયાર નહિ કરીશું તો ચાલશે. પરંતુ પછી પરીક્ષાખંડમાં ધોળે દિવસે તારા દેખાય છે.

બેદરકારીની આ વૃતી વિદ્યાર્થીઓના વાલીઓના મગજમાં પણ ઘુસી ગઈ છે. સાહેબને શાકની એક થેલી આપી આવીશું એટલે આપણો મનીયો પાસ થઇ જાશે. પરિણામે બાળકોનો વિકાસ રૂંધાય છે અને ભાવી ધૂંધળું બને છે

બાળકો કે વિદ્યાર્થીઓની તો વાત જ શું..! ઘણા મોટા-મોટા માણસો કે વડીલો પણ પોતાના જીવનમાં લાપરવાહી કે બેદરકારી કરે છે. આજે ખેતર નહિ ખેડીયે તો ચાલશે. આજે તો આરામ કરી લઈએ. પરંતુ વરસાદ આવી જાય ત્યારે ખેતરમાં બધું જ કામ બાકી હોય અને પછી કહે કે આ વખતે મેઘો વેલો આવી ગયો. હવે ખેતર નહિ ખેડીયે તો ચાલશે.. પછી જયારે પાક ઉત્પન થાય ત્યારે ખર્ચ કરતા ઉપજ અડધી આવે ત્યારે કહે ચાલશે. હવે ચિંતા કરવાની જરૂર નથી આવતા વર્ષે વધુ તૈયારી કરી લઈશું….

આજના સામાજિક કાર્યોમાં પણ લાપરવાહીને કારણે આખા સમાજને નુકશાન થાય છે. નેતાઓ ચૂંટણી આવે છે ત્યારે કહે છે કે ગામમાં જઈ થોડા-ઘણા રૂપિયા આપી આવીશું એટલે… ચાલશે… જીતી જઈશું.. પરિણામે પ્રજા પણ તેની વાતમાં આવીને ઘણી વખત સમાજનું અહિત કરે છે. પ્રજાનું કશું ભલું થતું નથી અને કહે છે કે હવે તો ચૂંટણી થઇ ગઈ એટલે ચાલશે.. વર્તમાન સમયની વાત કરીએ તો ભારતમાં થતા આતંકવાદ સામે સરકાર બેદરકારી રાખીને કહે છે કે હવે ચાલશે મંત્રણા કરી લઈશું, સંધી કરી લઈશું એટલે ચાલશે.. પરંતુ જયારે દેશને મોટો આઘાત સહન કરવો પડે છે ત્યારે સમગ્ર પ્રજાતંત્ર ખોરવાય છે… ભારતીય લશ્કર આતંકવાદીઓને ચાર આંખે રાત-દિવસ ઘૂસણખોરી કરતા રોકે છે અને કસાબ જેવા પકડાય તો આપણા  નેતાઓ ચૂંટણીનો મુદ્દો બનાવીને કહે છે કે પછી ફાંસી આપી દઈશું તો ચાલશે.. ઘણી આફતો અને હોનારતોમાં સરકાર પણ કશું નથી કરતી અને પ્રજા પણ ચાલશે-ચાલશે કરીને ચલાવ્યે રાખે છે…

બેદરકારીની આ વૃતી આજે માનવીના મનમાં જ જાણે વસી ગઈ છે. તેનું પ્રત્યક્ષ દર્શન માનવી આજે કરી શકતો નથી પરંતુ વાસ્તવિકતાની પાછળ બેદરકારીની આ વૃતિને કારણે માણસે કેટલું ગુમાવવું પડે છે અને કેટલા કષ્ટો સહન કરવા પડે છે તે સમય આવ્યે જ જાણ થાય છે.

હિંદીમાં એક સરસ વાક્ય છે…”કલ કરે સો આજ, આજ કરે સો અભી…” પરંતુ આજના માણસે તો આ સુત્રને કઈક નવો જ આકાર આપ્યો છે….” આજ કરે સો કલ, કલ કરે સો પરસો..” ચાલશે… એવો તે કયો મોટો પહાડ તૂટી પડવાનો છે.

મહાપુરુષોના જીવનમાં પણ સમય સુચક્તાની બાબત ખુબજ સ્પષ્ટપણે વણાયેલી જોવા મળે છે. ફાધર વાલેસે પોતાના એક લખાણમાં ખુબજ ચિંતાતુર લાગણી દર્શાવીને કહ્યું છે કે ગુજરાતી શબ્દકોષમાં “ચાલશે” શબ્દ ક્યાંથી આવી ગયો?

અંગ્રેજીમાં પણ એક ખુબજ સરસ કહેવત છે…”Time & Tide never  wait for anybody”…. ગાંધીજી, સરદાર વગેરે જેવા મહા-પુરુષોના જીવનમાં દ્રષ્ટિગોચર કરીએ તો એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓએ પોતાન જીવનમાં ખુબજ સમયસૂચકતા દાખવી છે. તેઓએ પાણી પેહલા પાળ બાંધીને પોતાના જીવનને ઉન્નત બનાવ્યું છે..

હું તો કહું છું કે નહિ ચાલે આ ચાલશે વૃતી સફળતા મેળવવામાં. સફળતા કરવા માટે તો સમયસૂચકતા અને કાર્યક્ષમતા જરૂરી છે. આગ લાગે તો ચાલો કુવો ખોદવા જઈએ, પાણી નીકળશે તો આગને બુઝાવી દઈશું. ત્યાં સુધીતો આખું ઘર આગમાં બળીને ભસ્મીભૂત થઇ જાય. લાપરવાહીની આ વૃતિનો જડમૂળમાંથી નાશ કરી જીવનમાં સમયસુચકતા દાખવવી જરૂરી છે. માટે માણસે ચાલશે વૃતી છોડી જીવનમાં સમયસૂચકતાનું નવસર્જન કરવું જ જોઈએ અને આળસ ખંખેરી કાર્યરત બની માણસે પોતાના પરિવારને, સમાજને, પોતાના રાષ્ટ્રને ઉન્નતિના પંથે દોરી જવો જોઈએ….

“નથી લેવો આ વિસામો , કર કઈ કૃતિ ,

કેમ કે નહિ ચાલે હવે આ ચાલશે વૃતી…!!”

આજે પણ આ બધું વાંચતી વખતે એ સમયે  પહેલી વખત હજારેક લોકોની સામે બોલતા  પેહલા લાગેલો ડર, બોલતી વખતે ધ્રુજતા પગ અને પૂરું કરીને થયેલો ગર્વ અને આનંદ હજુ પણ એટલો જ અકબંધ છે. ક્યારેક બંધ આંખે એટલો જ રોમાંચ અપાવે છે. નંબર અને ઇનામ તો હમેશા માટે ગૌણ વસ્તુ જ રહ્યા છે. ભલેને વકતૃત્વ, શીધ્ર વકતૃત્વ કે પછી કોલેજ માં કરેલ નાટકો હોય. પરંતુ ઘણા બધામાંથી આપણને જે મોકો મળ્યો, મિત્રોનો સાથ અને ઘણા બધાનો વિશ્વાસ એક અલૌકિક સંતોષ અને કંઈક નવું કરવા માટેની પુરતી ઉર્જા પૂરી પાડે છે. વૈભવભાઈ દ્વારા લખી આપેલ આ લેખ એક સીડીનું પગથીયું બનીને હમેશા પ્રોત્સાહિત કરતો રહ્યો છે. ત્યાર બાદ આ સીડી ચડવામાં  ઘણા બધા મિત્રો અને શિક્ષકોએ પણ પુરતી મદદ  અને હમેશા સાથ આપ્યો છે અને હજુ પણ આપતા જ રહે છે.હજુ પણ ફાઈલમાં પીળા પડી ગયેલા પાનામાં ઓરીજનલ લેખક 🙂 ના હાથે લખાયેલ એમને એમ સચવાયેલ લેખના પડી રહ્યાનો ખુબજ આનંદ છે….:)

3 thoughts on “ચાલશે.! વૃતી કેટલી યોગ્ય.?”

Leave a comment